NEWS

પાસપોર્ટ પર જુદા જુદા દેશના સ્ટેમ્પ લગાવીને 35 લાખ ખંખેર્યા, આ રીતે ટ્રાવેલ એજન્ટે કરી ઠગાઈ

આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ : મહેસાણામાં રહેતા અને દરજી કામ કરતા દંપતીને અમેરિકા જવાના સપના પર પાણી ફરી વળ્યું છે. ગામના જ એક વ્યક્તિએ અમેરિકા મોકલી આપવાનું કહીને અમદાવાદના આશ્રમ રોડ પાસે આવેલી સ્કાય લેન્ડ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ સાથે ભેટો કરાવ્યો અને એજન્ટે દંપતીના પાસપોર્ટ પરથી બનાવટી પાસપોર્ટ બનાવ્યા અને તેમાં જુદા-જુદા દેશોના સ્ટેમ્પ લગાવીને રૂપિયા 35 લાખ ખંખેરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના સાગણપુર ગામમાં રહેતા લાલજીભાઈ દરજી (ઉં.વ.50) અને તેમની પત્ની હસુમતીબેન દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારને આર્થિક સદ્ધરતા મળી રહે તેના માટે થઈને દંપતીએ વર્ષ 2014માં અમેરિકા જવાનું સપનું સેવ્યું હતું. લાલજીભાઈએ તેમના ગામમાં રહેતા જીતેન્દ્ર પ્રજાપતિને વાત કરતા તેમણે અમદાવાદમાં જગદીશ પટેલ કે જેઓ સ્કાય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે તે અમેરિકાનું પણ કામ કરે છે. તે વિઝા અપાવી આપશે તેવી વાત કરી હતી. ત્યારબાદ લાલજીભાઈએ પોતાના અને પત્નીના પાસપોર્ટ સહિતની વિગતો જીતેન્દ્ર પ્રજાપતિને આપી હતી. જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના મળતિયા અને આખજ ગામના વતની એવા જીવાભાઈ ગાંડાભાઈને વાત કરી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2014માં લાલજીભાઈ, જીતેન્દ્ર પ્રજાપતિ અને જીવાભાઈ ગાંડાભાઈ ત્રણેય સ્કાય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ આશ્રમ રોડ પર આવેલી છે ત્યાં એજન્ટ જગદીશ ભાઈ પટેલને મળવા માટે ગયા હતા. આ પણ વાંચો: નવરાત્રિમાં કઇ વાતોનું રાખશો ધ્યાન? અમદાવાદના જાણીતા ડોક્ટરે આપી સલાહ એજન્ટે અમેરિકા મોકલી આપશે પરંતુ રૂપિયા 35 લાખ થશે તેમ કહીને લાલજીભાઈ અને તેમની પત્ની હસુમતી બેનના પાસપોર્ટ, એલ.સી., માર્કશીટ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા લઇ લીધા હતા. બાદમાં થોડા મહિના બાદ દંપતીને ઓફિસે બોલાવીને અમેરિકા એમ્બેસીમાં જે સવાલો પૂછવામાં આવતા હોય છે તેની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી આપવામાં આવી હતી. વર્ષ 2014ના માર્ચ મહિનામાં દંપતીને એમ્બેસીની તારીખ આવી ગઈ છે કહીને મુંબઈની ટિકિટ અને દંપતીના પાસપોર્ટ આપ્યા હતા. લાલજીભાઈએ પાસપોર્ટ જોતાં તેમાં દુબઈ, તાનજાનિયા, થાઈલેન્ડ સહિતના દેશોના સિક્કા દંપતીના પાસપોર્ટમાં માર્યા હતા. જેથી લાલજીભાઈએ પૂછ્યું કે ‘‘આ સિક્કા મારવાનું કારણ શું છે?’’ ત્યારે એજન્ટે જણાવ્યું કે ‘‘અમેરિકા જવા માટે આ બધી પ્રોસેસ કરવાની રહેતી હોય છે’’ કહીને મુંબઈ અમેરિકાની એમ્બેસીમાં મોકલી આપ્યા હતા. દંપતી ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે એમ્બેસીએ પાસપોર્ટ ચેક કરતા ટ્રાવેલ હિસ્ટ્રી અંગે સવાલ પૂછતા દંપતી પાસે કોઈ જવાબ ન હતા. જેથી એમ્બેસી દ્વારા દંપતીના પાસપોર્ટ પર રિજેક્શનનો સિક્કો મારીને પાસપોર્ટ જમા લઇ લીધા અને ખરાઈ માટે રીજનલ પાસપોર્ટ ઓફિસે મોકલી આપ્યા હતા. દંપતી પાછા આવ્યા બાદ એજન્ટનો સંપર્ક કરતા કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો. આ પણ વાંચો: જાણો અંબાલાલ પટેલ તથા હવામાન વિભાગની આગાહી ત્યારબાદ અમદાવાદમાં આવેલી પાસપોર્ટ શાખાની મુખ્ય બ્રાંચમાંથી લાલજીભાઈ અને તેમની પત્નીના નામની નોટિસ આવી હતી. જેમાં સામે લાલજીભાઈ પાસે લખાણ લેવામાં આવ્યું હતું કે, તેમના પાસપોર્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. કારણ કે લાલજીભાઈએ પાસપોર્ટમાં પોતાની સહી ગુજરાતીમાં કરી હતી અને બનાવટી પાસપોર્ટમાં લાલજીભાઈની સિગ્નેચર અંગ્રેજીમાં કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ સીઆઈડી ક્રાઈમે લાલજીભાઈના નિવેદન આધારે તપાસ હાથ ધરીને એજન્ટ જગદીશ પટેલ, જીવાભાઈ પટેલ તથા જીતેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.