GUJARATI

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે નાગરિકોને કરી ખાસ અપીલ, તમે પણ જાણો

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે. પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ... • અફ્વા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં • સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરવું. • આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણવો. • હવામાન અને પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે રેડિયો સાંભળવો કે ટેલિવિઝન નિહાળવું. • તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખવો. • સર્પદંશ અને ઝાડા ઊલટી માટેની વધારાની દવાઓ સાથેની પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખવી. • વરસાદથી રક્ષણ માટે છત્રી અને સાપ જેવા ઝેરી જીવજંતુથી બચવા લાકડી રાખવી. • શુદ્ધ પાણી, સૂકો ખાદ્યપદાર્થ, મીણબત્તી/દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડાં અને ટોર્ચ વધારાના બેટરી/સેલ સાથે હાથવગા રાખવા. • પશુઓના બચાવ માટે તેમને ખૂંટાથી છૂટાં રાખવા. પૂરની પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાનું થાય ત્યારે આટલું ધ્યાન રાખો... • નાગરિકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરવું. • ઘરને તાળું મારી બંધ કરવું અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચવું. • પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટર બંધ રાખો. • કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવજો વગેરેને વોટરપ્રુફ પેકિંગમાં રાખો. • ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઊંચે મૂકી રાખો. • ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર અવશ્ય બંધ કરો. • અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો. પૂર દરમિયાન આટલી કાળજી અવશ્ય રાખીએ... • ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહીએ. • વીજળીના થાંભલા અને જમીન પર પડેલાં વીજ વાયરોથી દૂર રહીએ. • ઉકાળેલું જ પાણી પીવું અથવા પાણીને જંતુમુક્ત કરી પીવું. • આસપાસની જગ્યાને જંતુમુક્ત રાખવા ચૂનો અને બ્લિચીંગ પાવડરનો છંટકાવ કરવો. • બાળકોને ભૂખ્યાં ન રાખવા. • તાજો રાંધેલો અને સૂકો ખોરાક ખાવો, ખોરાકને ઢાંકીને રાખવો. પૂરની પરિસ્થિતિ બાદ આટલું ખાસ કરો... • સ્થાનિક સત્તાધિશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળવી અને તેનું પાલન કરવું. • મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. • બાળકોને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા દેશો નહીં. • તૂટેલાં વીજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ-નાળાં, તૂટેલાં કાચ, ધારદાર ચીજવસ્તુઓ અને ભંગારથી દૂર રહેવું તથા સાવચેત રહેવું. • ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવો, ઈલેક્ટ્રિશીયન પાસે ચેક કરાવ્યા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરવો. • પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગવો નહીં • આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલા આપાતકાલિન કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ઉપર જાણ કરવી. વીજળીની પરિસ્થિતિમાં આટલી સાવચેતી રાખો... • ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું. • ભયાનક વીજળી થતી હોય ત્યારે વૃક્ષ નીચે ઉભા ન રહેવું. • આકાશી વીજળી થતી હોય ત્યારે ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહીં. • ઈલકેટ્રીક થાંભલા કે ટેલીફોન થાંભલાનો સ્પર્શ કરવો નહીં. • ઈલેકટ્રીકના ઉપરકરણોને પાણીની પાઈપલાઈન તથા ભેજથી હમેંશા દૂર રાખવા. • શોર્ટસર્કિટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી. • ઘરમાં દરેકને મેઈનસ્વીચ અંગેની જાણકારી આપવી. અત્રે ઉલ્લેખનીય છે કે, આપાતકાલિન પરિસ્થિતિમાં આવશ્યક મદદ માટે (લેન્ડલાઈન ફોન માટે) જિલ્લા કંટ્રોલ રૂમ-૧૦૭૭ અને રાજ્ય કંટ્રોલ રૂમ -૧૦૭૦ નો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા જણાવાયું છે. મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોડ જોડવાનો રહેશે. સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.